મા દુર્ગાના અનેક સ્વરુપ છે અને દરેક સ્વરુપ મમતામયી અને જગદઉદ્દારક છે. મા દુર્ગાનું સૌથી શક્તિશાળી અને ભક્તોના દુઃખ દુર કરવામાં ક્ષણિક પણ વાર ન લગાવે તેવુ સૌથી ઉત્તમ સ્વરુપ છે મા મહાકાળી. મા મહાકાળીનું સ્વરુપ ભલે બિહામણુ લાગે પરંતુ તેમની કૃપા જો જાતક પર વરસે તો તેને સંસારના તમામ દુઃખોમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે..એક એવી શક્તિ કે જેના તેજને શાંત કરવા સ્વયં દેવાધીદેવ પણ તેમની ભક્તિ કરે છે. તેવા મહાકાળી માતાનું એક અનન્ય સ્વરુપ કલોલના ઇસંડ ગામમાં સ્થિત છે જેના દર્શન કરી ભક્તોને કરે છે ધન્યતાની અનુભુતિ.
![]() |
| ફોટો સૌજન્ય: સોશિયલ મીડિયા | Photo: Internet Source |
કોઇ પણ દેવી મંદિરની વિશિષ્ટતા હોય છે તે મંદિરમાં સ્થિત દેવી દેવતાઓની પ્રતિમા...ઇસંડ ગામમાં સ્થિત ગામના પાદરે વિશાળ પરિસરમાં સ્થિત મા મહાકાળીનું આ પાવન મંદિર સૌ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બનેલુ છે. અહીના સ્થાનિકોના કહેવા પ્રમાણે આ મંદિરમાં લગભગ 400 વર્ષ પુર્વેથી થઇ રહી છે મા મહાકાળીની આરાધના..જેના થકી ભક્તોને પ્રાપ્ત થાય છે મા મહાકાળીના શુભ આશિષ.
મંદિરના મુખ્ય દરવાજાથી અંદર પ્રવેશતા જ નજર સમક્ષ જ દેખાઇ જાય છે મા મહાકાળીનું મુખ્ય ગર્ભગૃહ. જ્યારે ડાબી બાજુએ વિશાળ પરિસર આવેલુ છે જ્યાં ભક્તો બેસીને માઇ ભક્તિમાં બને છે લીન. મંદિરમાં મા મહાકાળીની સ્થાપના કઇ રીતે થઇ તેની પાછળ પણ ઘણો રોચક ઇતિહાસ રહેલો છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે તેમના વડવાઓ દ્વારા જયપુરથી આ મુર્તિ અહીં લાવવામાં આવી અને મા મહાકાળીના પ્રખર ભક્ત દ્વારા 108 દિવસ અન્ન જળનો ત્યાગ કરી મા મહાકાળીની ભક્તિ કરી આ મુર્તિને જાગૃત કરી અને તેમની આરાધનાની અહીં શરુઆત કરવામાં આવી કહેવાય છે કે સ્વયં પાવાગઢમાં સ્થિત મા મહાકાળીના દર્શનનું પુણ્ય જેટલુ પ્રાપ્ત થાય છે તેટલુ જ પુણ્ય અહીં ઇસંડ ગામમાં સ્થિત મા મહાકાળીના દર્શન કરવાથી પ્રાપ્ત થતુ હોવાની છે માન્યતા મંદિરના ગર્ભગૃહમાં અન્ય દેવી દેવતાઓની મુર્તિ પણ બિરાજમાન કરાવવામાં આવી છે જેના દર્શન કરવાનું પણ ભક્તો નથી ચુકતા.
અહીં નાત જાતના ભેદ ભાવ વગર દરેક ધર્મના લોકો મા મહાકાળીની ભક્તિ કરવા અહીં મંદિરમાં આવે છે અને પામે છે શક્તિ સ્વરુપાના આશિર્વાદ...કહેવાય છે કે અહીં સ્થિત મા મહાકાળી એટલા જાગૃત છે કે અહીં પોતાની તકલીફોથી રડતા ભક્તો માના આશિર્વાદ પામી હસતા હસતા આ મંદિરેથી પરત ફરે છે...અહીં આવતા ભક્તોની તમામ મનોકામના મા મહાકાળી પુર્ણ કરે છે. વિદેશ ગમનની ઇચ્છા,ગર્ભિત ભયમાંથી મુક્તિ અને સાથે અસાધ્ય રોગમાંથી પણ મુક્તિ અપાવે છે અહીં બિરાજતા મા મહાકાળી.
અહીં નિત્ય ગામની સ્થાનિક મહિલાઓ દ્વારા ભજન થકી મા મહાકાળીની ભક્તિ કરવામાં આવે છે..જેના થકી મંદિરનું વાતાવરણ વધુ ભક્તિમય જોવા મળે છે. આ મંદિરમાં દુર દુરથી ભક્તો મા મહાકાળીના દર્શને આવીને બાંધે છે પુણ્યનું ભાથુ.
