ભગવાન શિવને અતિપ્રિય બિલ્વપત્ર (Bilipatra / Bel Patra)
ભગવાન ભોળાનાથને અતિપ્રિય એવી વસ્તુઓમાં બિલ્વપત્ર (Bilipatra / Bel Patra) નું વિશેષ મહત્વ છે. ખાસ કરીને શ્રાવણ માસ (Shravan Month) દરમિયાન શિવભક્તો ભગવાન શિવને બિલ્વપત્ર અર્પણ કરીને તેમની કૃપા મેળવે છે. સામાન્ય રીતે લોકો ત્રણ પર્ણો વાળું બિલ્વપત્ર જ જોયું હોય છે, પરંતુ ગુજરાતના અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દિતલા ગામમાં આવેલું એક અનોખું બિલ્વવૃક્ષ હવે સૌની આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

દિતલા ગામે ઉકાભાઈ ભટ્ટીની વાડીમા દુર્લભ બિલ્વવૃક્ષ
ધારી તાલુકાના દિતલા ગામમાં રહેતા શિવભક્ત ઉકાભાઈ ભટ્ટીની વાડીમા એવું અદ્દભુત બિલ્વવૃક્ષ છે, જેમાં 3, 5, 6, 7, 8 અને 9 પર્ણો વાળા બિલ્વપત્રો ઉગે છે. આવું વૃક્ષ ભાગ્યે જ જોવા મળે છે અને બહુ ઓછા લોકોને ખબર છે કે ત્રણથી વધુ પર્ણો વાળા બિલ્વપત્ર પણ થાય છે. ઉકાભાઈ ભટ્ટી પોતે ભગવાન શિવના પરમ ભક્ત છે અને પોતાની વાડીમામાં આવેલા આ દુર્લભ બિલ્વવૃક્ષ અંગે ગૌરવ અનુભવે છે.
શ્રાવણ માસમાં મંદિરો સુધી પહોંચે છે વિશિષ્ટ બિલ્વપત્ર
ઉકાભાઈની વાડીમાથી ઉગતા આ વિશિષ્ટ બિલ્વપત્રો સોમનાથ મંદિર, કંકાઈ મંદિર, બાણેજ મંદિર, ભુતનાથ મહાદેવ મંદિર સહિત સૌરાષ્ટ્રના અનેક સુપ્રસિદ્ધ શિવ મંદિરોમાં શ્રાવણ માસ દરમિયાન શિવલિંગ પર અર્પણ કરવા માટે લઈ જવામાં આવે છે. રોજના હજારો બિલ્વપત્રો શિવભક્તો અહીંથી લઈ જાય છે અને ભગવાન ભોળાનાથને અર્પણ કરે છે.
રાવણ અને શિવપુરાણ સાથે જોડાયેલી માન્યતા
શાસ્ત્રો અનુસાર બિલ્વપત્રની પૂજાનું વિશેષ મહત્વ છે, જેને શિવપુરાણ અને અન્ય ગ્રંથોએ પણ સમર્થન આપ્યું છે. એક લોકકથા મુજબ લંકેશ રાવણએ 21 પર્ણો વાળા બિલ્વપત્રથી ભગવાન શિવનો અભિષેક કરી તેમને પ્રસન્ન કર્યા હતા. હાલમાં 21 પર્ણો વાળું બિલ્વવૃક્ષ અત્યંત દુર્લભ છે અને ક્યાંય જોવા મળતું નથી.
ગુજરાતથી વિદેશ સુધી પહોંચતી ઉકાભાઈની નિસ્વાર્થ સેવા
ઉકાભાઈ ભટ્ટી શ્રાવણ માસ દરમિયાન નિસ્વાર્થ ભાવે લોકોના ઘરે બિલ્વપત્ર મોકલે છે. આ બિલ્વપત્રો રાજકોટ, જુનાગઢ, અમરેલી, સાવરકુંડલા, જામનગર, સહિત અનેક શહેરોમાં મોકલવામાં આવે છે. હવે તો વિદેશમાંથી પણ ઉકાભાઈને ફોન આવે છે અને તેઓ પોતાના ખર્ચે લંડન, આફ્રિકા અને કેનેડા જેવા દેશોમાં પણ બિલ્વપત્ર કુરિયર કરે છે.
શ્રાવણ પહેલાંથી જ બુકિંગ, રૂબરૂ પણ આવે છે શિવભક્તો
લોકો શ્રાવણ માસ શરૂ થાય એ પહેલાં જ ઉકાભાઈને ફોન કરીને બિલ્વપત્ર મોકલવાની વિનંતી કરે છે. આખા શ્રાવણ દરમિયાન ઉકાભાઈ પોતાનું ખેતીનું કામ છોડીને ગામે ગામ શહેરે શહેર મંદિરો સુધી બિલ્વપત્ર પહોંચાડવાની સેવા કરે છે. ઘણા શિવભક્તો તો રુબરુ દિતલા ગામે આવીને 5, 6, 7, 8 અને 9 પર્ણો વાળા બિલ્વપત્રો લઈ જાય છે અને તેને જોઈ ભાવવિભોર બની જાય છે.
શ્રાવણમાં શિવભક્તિની પ્રેરણાદાયી સેવા
છેલ્લા કેટલાક વર્ષોથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાંથી શિવભક્તો દિતલા ગામે ઉકાભાઈની વાડીએ રૂબરૂ આવી રહ્યા છે. મહુવાના એક સામાન્ય પરિવારના આ શિવભક્ત દ્વારા કરવામાં આવતી આ નિસ્વાર્થ સેવા શ્રાવણ માસમાં વિશેષ ચર્ચાનો વિષય બની છે.