Balya Dev Temple Anand | Mahisagar Sangam Tirth | Gujarat Religious News
આણંદ તાલુકાના વેહરા ખાડી ગામે આવેલું બળિયાદેવ મંદિર (Balya Dev Temple) આજે ગુજરાતભરમાં શ્રદ્ધા, આસ્થા અને ચમત્કારો માટે ઓળખાય છે. કહેવાય છે કે અહીં દર્શન કરવા આવતા દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે. સર્વ દુઃખોનું હરણ કરનાર ભગવાન બળિયાદેવની પૂર્ણ કદની પ્રતિમા ગુજરાતમાં કદાચ એકમાત્ર એવી છે, જે અન્ય કોઈ મંદિરમાં જોવા મળતી નથી. સવારથી સાંજ સુધી ભક્તોની સતત આવનજાવન આ ધામને જીવંત બનાવે છે. હજારો-લાખો શ્રદ્ધાળુઓ આજે પણ સાક્ષી આપે છે કે બળિયાદેવ પોતાની કૃપાથી જીવનની ગૂંચવણો દૂર કરે છે.
![]() |
| anand-vehra-khadi-balya-dev-temple-mahisagar-sangam-in-gujarati |
મહીસાગર નદીના તટે આવેલું ઐતિહાસિક મંદિર
આણંદથી આશરે 20 કિલોમીટર દૂર, મહીસાગર નદીના સંગમ તટે આવેલું વેહરા ખાડી ગામ પ્રાચીન સમયથી ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. અહીં બળિયાદેવ મંદિરનું નિર્માણકાર્ય વર્ષ 2005માં શરૂ કરવામાં આવ્યું હતું. આ મંદિરનું નિર્માણ હનુમંત પરમાર્થ આશ્રમના મહંત શ્રી ગંગેશ્વરાનંદદાસજી મહારાજના દિવ્ય અનુભવ સાથે જોડાયેલું છે, જે આ સ્થળને વધુ પવિત્ર બનાવે છે.
બળિયાદેવના સાક્ષાત દર્શનની ચમત્કારિક ઘટના
વર્ષ 2004માં મહંત શ્રી ગંગેશ્વરાનંદદાસજી મહારાજ રાજસ્થાનના જયપુર નજીક આવેલા ખાટું શ્યામ મંદિરના દર્શન કરી બહાર ઉભા હતા. એ સમયે એક પાંચ વર્ષનો બાળક તેમની પાસે પ્રસાદ માગવા આવ્યો. મહારાજે પ્રેમથી પ્રસાદ આપ્યો અને બાળક તેમની સાથે જવાની વાત કરવા લાગ્યો.
મહારાજે બાળકને વાહનમાં બેસવા કહ્યુ, પરંતુ થોડા ડગલા ચાલ્યા બાદ તે બાળક અચાનક અદ્રશ્ય થઈ ગયો. ત્યારે મહારાજને દિવ્ય અનુભૂતિ થઈ કે આ બાળક કોઈ સામાન્ય ન હતો, પરંતુ સાક્ષાત બળિયાદેવ હતા.
આ ચમત્કાર બાદ વેહરા ખાડી ગામે બળિયાદેવની પૂર્ણ કદની પ્રતિમા સ્થાપિત કરી મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું.
મહાભારત કાળથી જોડાયેલું મહીસાગર સંગમ તીર્થ
વેહરા ખાડી ગામે આવેલું મહીસાગર સંગમ તીર્થ મહાભારત કાળમાં હેડંબા વન તરીકે ઓળખાતું હતું. મહાભારત અનુસાર આ સ્થળને ગુપ્ત તીર્થ (Gupt Tirth) માનવામાં આવે છે. કથા અનુસાર, ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી બળિયાદેવે નવદુર્ગાની ઉપાસના કરીને ત્રણ દિવ્યાસ્ત્રો પ્રાપ્ત કર્યા હતા. આ કારણે આ સ્થાનનું ધાર્મિક મહત્ત્વ અનેકગણું વધી જાય છે.
શનિવારી અમાસ અને તહેવારોમાં ઉમટે છે ભક્તોનો મહાસાગર
બળિયાદેવ મંદિર પરિસરમાં વર્ષ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. ખાસ કરીને:
-
શનિવારી અમાસે મહીસાગર સંગમમાં શાહી સ્નાન
-
હનુમાન જયંતી
-
રામનવમી
-
શ્રાવણ માસમાં પારણા
-
વિજયાદશમી
-
નવવર્ષે અન્નકૂટ મહોત્સવ
આ તમામ પ્રસંગોએ દેશ-વિદેશથી ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. માન્યતા છે કે બળિયાદેવ પોતાના ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી.
શ્રદ્ધાનું કેન્દ્ર: જ્યાં દરેક મનોકામના થાય છે પૂર્ણ
બળિયાદેવ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ વિશ્વાસ અને આશાનું પ્રતિક છે. અહી દર્શન માત્રથી ભક્તોને માનસિક શાંતિ, આત્મિક બળ અને જીવનમાં નવી દિશા મળે છે. આજ સુધી હજારો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થવાની સાક્ષી આપી ચૂક્યા છે.
